Bharat nu Bandharan: ભારતનું બંધારણ, બંધારણની રચના અને આમુખ

Bharat nu Bandharan: ભારતના બંધારણ અને તેની વિશેષતાઓની આસપાસ ફરે છે. તેમાં બંધારણની રચના, પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેવા વિષયોનો સમાવેશ થાય છે. શોધનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણના વિવિધ પાસાઓ પર માહિતી પ્રદાન કરવાનો છે, જેમાં તેની મુખ્ય વિશેષતાઓ, ઐતિહાસિક મહત્વ અને રાજકીય સુસંગતતાનો સમાવેશ થાય છે. ભારતના બંધારણની મૂળભૂત રચના અને વિશેષતાઓને સમજવા માંગતા વાચકોને આ શોધ વર્ણન ઉપયોગી લાગશે.

Bharat nu Bandharan

બંધારણની રચના

કૅબિનેટ મિશન(ઈ. સ. 1946)માં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈ. સ. 1946માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાના 389 સભ્યોની ચૂંટણી થઈ. 9 ડિસેમ્બર, 1946ના રોજ સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખપદે પ્રથમ બેઠક મળી. 11 ડિસેમ્બરના રોજ ડૉ. રાજેન્દ્રપ્રસાદને બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. 29 ઑગસ્ટ, 1947ના રોજ બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષ ડૉ. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકર હતા. બંધારણની મુસદ્દા સમિતિમાં એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ટી. ટી. કૃષ્ણમાચારી, કનૈયાલાલ મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, ટી. માધવરાવનો સભ્યો તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ થયો હતો.

મુસદ્દા (ખરડા) સમિતિએ બંધારણનો ખરડો તૈયાર કર્યો. 4 નવેમ્બર, 1948ના રોજ તેનું પ્રથમ વાચન થયું અને 26 નવેમ્બર, 1949ના રોજ ખરડાની ચર્ચા પૂર્ણ થતાં બંધારણને આખરી સ્વરૂપ આપી મંજૂર થયેલું જાહેર કરવામાં આવ્યું. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા. 24 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા અને 26 જાન્યુઆરી, 1950થી બંધારણનો અમલ શરૂ થયો.

આમુખ 

ઈ.સ. 1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા. સુધારેલ આમુખ નીચે પ્રમાણે છેઃ

“અમે ભારતના પ્રજાજનો, આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે. વિચાર, વાણી, ધર્મ, પૂજા અને માન્યતાની સ્વાધીનતા રહે. સર્વને સમાન તક અને મોભો પ્રાપ્ત થાય અને સર્વમાં એવી ભાઈચારાની ભાવના વધે કે જેથી વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડિતતા સિદ્ધ થઈ રહે.”

“અમે અમારી બંધારણસભામાં 1949ના નવેમ્બરના 26મા દિવસે આ બંધારણને મંજૂર કરીએ છીએ, કાયદાનું સ્વરૂપ આપીએ છીએ અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ.’ } }

સર્વોચ્ચ અદાલતે ‘કેશવાનંદ ભારતી’ કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણાવ્યો છે અને અનુચ્છેદ 368 આધીન સુધારાને કાયદેસર ગણાવ્યા છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું છે કે સંસદ આમુખમાં કંઈ પણ જોડવા ઇચ્છે તો જોડી શકે છે પરંતુ તે આમુખના મૂળ અર્થને બદલી શકશે નહિ.

બંધારણની વિશિષ્ટતાઓ

ભારતના બંધારણની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે:

  • (1) વિશ્વનું સૌથી મોટું બંધારણ 
  • (2) બંધારણનો પ્રારંભ આમુખથી 
  • (૩) ભારતની પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર થયેલ બંધારણ 
  • (4) દસ્તાવેજી લેખિત બંધારણ 
  • (5) સુપરિવર્તનશીલ તેમજ દુષ્પરિવર્તનશીલ 
  • (6) બંધારણની સર્વોપરિતા 
  • (7) ભારતીય રાજ્ય સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી પ્રજાસત્તાક રાજ્ય 
  • (8) પ્રજાસત્તાનું ઉદ્ભવસ્થાન 
  • (9) વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર 
  • (10) સંસદીય સરકારનો સ્વીકાર 
  • (11) મૂળભૂત હકોનો સ્વીકાર તથા અમલ 
  • (12) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 
  • (13) મૂળભૂત ફરજો 
  • (14) પુખ્તવય મતાધિકારનો સ્વીકાર 
  • (15) અદાલતી સમીક્ષાનો સ્વીકાર 
  • (16) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને પછાત વર્ગો માટે ખાસ પ્રબંધો 
  • (17) દેવનાગરી લિપિવાળી હિંદીને રાષ્ટ્રભાષા તરીકેનું સ્થાન 
  • (18) સ્થાનિક સ્વ-શાસનની સંસ્થાઓ માટે બંધારણીય જોગવાઈઓ

મૂળભૂત હકો

બંધારણના ત્રીજા ભાગમાં ભારતના નાગરિકના નીચેના મૂળભૂત હકો સ્વીકારવામાં આવ્યા છેઃ

(1) સમાનતાનો અધિકાર (2) સ્વતંત્રતા-સ્વાધીનતાનો અધિકાર: (1) વાણી અને વિચારની સ્વતંત્રતા (11) શાંતિપૂર્વક, હથિયાર સિવાય એકઠા થવાની સ્વતંત્રતા (111) સંસ્થાઓ કે સમુદાયો રચવાની સ્વતંત્રતા (iv) ભારતના કોઈ પણ વિસ્તારમાં હરવા- ફરવાની સ્વતંત્રતા (v) ભારતના કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરવાની સ્વતંત્રતા (vi) વ્યવસાય અને વેપારઉદ્યોગની સ્વતંત્રતા (vil) જીવનરક્ષાનો તેમજ અંગત સ્વાતંત્ર્યનો અધિકાર (vill) ધરપકડ અને અટકાયત સામેનો અધિકાર (3) શોષણવિરોધી અધિકાર (4) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર (6) બંધારણીય ઇલાજોનો અધિકાર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

બંધારણના ચોથા ભાગમાં ક્લમ 36થી 51માં આ સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતો બે વિભાગમાં છે: (1) આંતરિક નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને (2) બાહ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.

આંતરિક નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશની અંદરના આર્થિક અને સામાજિક વહીવટને લગતા છે. આર્થિક સિદ્ધાંતોમાં સ્ત્રીપુરુષ સમાન વેતન, જનકલ્યાણ માટે આર્થિક સાધનોની માલિકી અને નિયંત્રણ, ઉત્પાદનનાં સાધનો અને મિલકતના કેન્દ્રીકરણને અટકાવવું, શ્રમજીવીઓનું સ્વાસ્થ્ય બગડે તેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવું, વૃદ્ધાવસ્થા, માંદગી કે બેકારીમાં આર્થિક મદદ કરવી, ખેતઉદ્યોગ અને પશુસંવર્ધનને આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવાં, દુધાળાં ઢોરોની કતલ અટકાવવી, ગ્રામપંચાયતોને વધુ સ્વાયત્તતા આપવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સામાજિક સિદ્ધાંતોમાં 14 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત કેળવણી, આરોગ્યને નુક્સાન કરતાં કેફી પીણાં પર પ્રતિબંધ, પછાત જાતિઓ અને વર્ગો માટે શિક્ષણ સુવિધા, ઐતિહાસિક અને રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી, ન્યાયતંત્રને વહીવટીતંત્રથી અલગ કરવાં માટેનાં પગલાં વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

બાહ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા છે. તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના પ્રયત્નો, અન્ય રાષ્ટ્રો સાથે ન્યાયી અને ગૌરવપ્રદ સંબંધો સ્થાપવાનો, આંતરરાષ્ટ્રીય કાયદા અને કરારોને માન આપવાનો, આંતરરાષ્ટ્રીય મતભેદોનો ઉકેલ લવાદપ્રથા દ્વારા લાવવાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ

બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત ભાષાઓ (14):

1. અસમિયા 2. બંગાળી ૩. ગુજરાતી 4. હિન્દી 7. મલયાલમ 5. કન્નડ 6. કશ્મીરી 8. મરાઠી 9. ઓડિયા 12. તમિલ 10. પંજાબી 11. સંસ્કૃત 13. તેલુગુ 14. ઉર્દૂ

ઈ.સ. 1967માં થયેલા 21 મા બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષા ઉમેરવામાં આવી છેઃ

15. સિન્ધી 

ઈ. સ. 1992માં થયેલા 71મા બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષાઓ ઉમેરવામાં આવી છેઃ 

16. કોંકણી

17. મણિપુરી

18. નેપાલી

ઈ. સ. 2004માં થયેલા 92મા બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષા ઉમેરવામાં આવી છેઃ

19. મૈથિલી

20. બોડો

21. સંથાલી

22. ડોંગરી

ભારતીય સંસદ

બંધારણની ક્લમ 79 અનુસાર ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોક્સભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. સંસદનાં બંને ગૃહો (લોક્સભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.

રાજ્યસભા બંધારણની કલમ 80 અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. 250માંથી 12 સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ સાહિત્ય, સંગીત, વિજ્ઞાન, કલા અને સામાજિક સેવાનાં ક્ષેત્રોમાં વિશેષ યોગ્યતા ધરાવતા વ્યક્તિઓમાંથી કરે છે અને 238 સભ્યો રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ તરીકે ચૂંટાય છે. દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પોતાના રાજ્યને ફાળે આવેલ સંખ્યા જેટલા રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે.

રાજ્યસભાના સભ્ય બનવા માટે આ પ્રમાણેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છે (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ. (2) ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. (3) કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નિહ. (4) લોકસભાના ઉમેદવાર માટે જે લાયકાતો નક્કી કરવામાં આવી છે તે ધરાવતો હોવો જોઈએ. (5) કોઈ પણ નાગરિક રાજ્યસભા તથા લોકસભાનું સભ્યપદ એકસાથે ધરાવતો હોવો જોઈએ નહિ.

રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે. પરંતુ દર બે વર્ષે તેના ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠક તો મળવી જ જોઈએ. રાજ્યસભાની કામગીરીનું સંચાલન અધ્યક્ષ (ચૅરમૅન) દ્વારા થાય છે. બંધારણ મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ(ચૅરમૅન)નો હોદ્દો સંભાળે છે. રાજ્યસભા નાણાકીય ખરડાઓ સિવાયના ખરડાઓ વિશે લોકસભા જેટલી સત્તા ધરાવે છે.

લોકસભાઃ બંધારણની કલમ 81 અનુસાર લોકસભાના સભ્યો પુખ્તવય (18 તથા તેથી વધુ વય) મતાધિકારના ધોરણે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે. 42મા બંધારણીય સુધારા મુજબ સભ્યસંખ્યા 545ની રહેશે.

લોકસભાના સભ્ય બનવા માટે આ પ્રમાણેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છેઃ (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ. (2) ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. (3) સંસદ કાયદા દ્વારા આ સંબંધમાં જે યોગ્યતાઓ નક્કી કરે તે ધરાવતો હોવો જોઈએ.

લોકસભાની સમયમર્યાદા 5 વર્ષની નક્કી કરવામાં આવી છે પરંતુ પ્રધાનમંડળને યોગ્ય લાગે તો તેની સમયમર્યાદા પહેલા પણ લોકસભાનું વિસર્જન કરી શકે છે. લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી બે બેઠક મળવી જોઈએ. લોકસભાની કામગીરીનું સંચાલન અધ્યક્ષ (સ્પીકર) દ્વારા થાય છે. લોકસભા ધારા ઘડવાની, નાણાકીય ખરડાઓ પસાર કરવાની, કારોબારી પર અંકુશ મૂકવાની, પ્રશ્નો પૂછવાની, ટીકા કરવાની, અવિશ્વાસ, સભામોકૂફી અને ઠપકાની દરખાસ્તો રજૂ કરવાની સત્તા ધરાવે છે.

ભારતની લોકસભાની પ્રથમ બેઠક 13 મે, 1952ના રોજ યોજાઈ હતી.

બંને ગૃહો કોઈ મુદ્દા પર સંમત ન થાય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક મળે છે. આ સમયે લોકસભાના અધ્યક્ષ સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ સ્વીકારે છે.

બંધારણમાં સુધારો લાવવા માટેનું બિલ કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. આ બિલ જો બંને ગૃહના સભ્યો મંજૂર કરે અને રાષ્ટ્રપતિ સહી કરે તો અમલમાં આવે છે. આ પ્રમાણે બંધારણમાં ઑગસ્ટ, 2021 સુધીમાં 127 સુધારાઓ થયા છે.

સંસદની કાર્યવાહી

  • સરકારી ખરડાઓ જે-તે ખાતાના પ્રધાન રજૂ કરે છે. અન્ય કોઈ સભ્ય ખરડો રજૂ કરે તો તેને બિનસરકારી ખરડો કહે છે.
  • ખરડો રજૂ કરતાં પહેલાં સ્પીકરની મંજૂરી લેવી પડે છે.
  • નાણાકીય ખરડો પહેલાં લોકસભામાં જ રજૂ થઈ શકે. જ્યારે અન્ય ખરડાઓ લોકસભા કે રાજ્યસભા બેમાંથી ગમે તે એક ગૃહમાં રજૂ થઈ શકે.
  • બંને ગૃહો આ ખરડાને ત્રણ-ત્રણ વાચનમાંથી પસાર કરે, બહુમતીથી મંજૂર કરે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરે પછી જ ખરડો કાયદો બને છે.
  • જરૂર જણાય તો ખરડામાં સુધારા-વધારા સૂચવવા ગૃહ આ ખરડો પ્રવર સમિતિને સોંપી અહેવાલ મેળવે છે.
  • સહી કરતાં પહેલાં, રાષ્ટ્રપતિને જરૂર જણાય તો આ ખરડાને પુનર્વિચારણા માટે સંસદ(બંને ગૃહો)ને પાછો મોકલી આપે છે.
  • પુનર્વિચારણા બાદ પાછા મોકલાયેલા ખરડા પર રાષ્ટ્રપતિએ સહી કરવી જ પડે છે.
  • રાષ્ટ્રપતિની સહી થઈ ગયા પછી, સરકારી ગૅઝેટમાં તેને કાયદા સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
  • નાણાકીય ખરડાઓ પહેલાં લોકસભામાં જ રજૂ થઈ શકે છે. લોકસભાએ પસાર કરેલા આવા નાણાકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી 14 દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે છે. આ મુદતમાં પરત ન મોકલે તો તે રાજ્યસભાએ પસાર કરેલો ગણાય છે.

રાષ્ટ્રપતિ

બંધારણની કલમ 58 અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા આ પ્રમાણેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છેઃ (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ. (2) ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. (3) લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાતો હોવી જોઈએ. (4) ભારત સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર અથવા કોઈ પણ સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહિ.

રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદનાં બંને ગૃહોમાં ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોનાં બનેલાં મતદારમંડળો દ્વારા થાય છે. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત તેઓ પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની છે.

રાષ્ટ્રપતિની સત્તાઓને પાંચ ભાગમાં વહેંચી શકાય: (1) ધારાકીય સત્તા, (2) કારોબારી સત્તા, (3) ન્યાયવિષયક સત્તા, (4) નાણાકીય સત્તા અને (5) કટોકટીની સત્તા

બંધારણની કલમ 61 અનુસાર રાષ્ટ્રપતિ પર બંધારણના ભંગ માટે મહાભિયોગનો આરોપ મૂકી તેમને પદભ્રષ્ટ કરવાની સત્તા સંસદને છે.

ઉપરાષ્ટ્રપતિ

બંધારણની કલમ 63 અનુસાર ભારતમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણની કલમ 64 અનુસાર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવે છે. કોઈક કારણસર રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે અને નવી નિયુક્તિ થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળે છે.

પ્રધાનમંડળ

(1) લોકસભાની ચૂંટણીઓના પરિણામ પછી બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપતિ પ્રધાનમંડળ રચવા આમંત્રણ આપે છે. (2) બહુમતી પક્ષના નેતા પોતાના પ્રધાનમંડળની યાદી તૈયાર કરી રાષ્ટ્રપતિની બહાલી મેળવે છે. (3) દરેક પ્રધાન વ્યક્તિગત રીતે વડા પ્રધાનને જવાબદાર છે અને પ્રધાનમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે. (4) પ્રધાનો દરેક કાર્ય રાષ્ટ્રપતિના નામે કરે છે.

રાજ્યપાલ (ગવર્નર)

બંધારણની કલમ 153 અનુસાર પ્રત્યેક રાજ્ય માટે રાજ્યપાલની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યસરકારની કારોબારીમાં રાજ્યપાલ અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. રાજ્યપાલ રાજ્યના કારોબારી વડા છે અને રાજ્યના મંત્રીમંડળની સલાહ પ્રમાણે કાર્ય કરે છે. બંધારણની કલમ 155 અનુસાર (સામાન્ય રીતે પાંચ વર્ષ માટે) રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

રાજ્યનું મંત્રીમંડળ

(1) રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ પછી બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાજ્યપાલ મંત્રીમંડળ રચવા આમંત્રણ આપે છે. (2) બહુમતી પક્ષના નેતા પોતાના મંત્રીમંડળની યાદી તૈયાર કરી રાજ્યપાલની બહાલી મેળવે છે. (૩) દરેક મંત્રી વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને જવાબદાર છે અને મંત્રીમંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. (4) મંત્રીઓ દરેક કાર્ય રાજ્યપાલને નામે કરે છે.

રાજ્યની ધારાસભાઓ

બંધારણની કલમ 168થી 193 અનુસાર પ્રત્યેક રાજ્ય માટે ધારાસભાઓની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યોની ધારાસભાઓ એકગૃહી અથવા ટ્વિગૃહી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ અને કશ્મીર, બિહાર તથા મહારાષ્ટ્ર એમ સાત રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભાઓ છે. જે રાજ્યની ધારાસભા દ્વિગૃહી હોય તેના પ્રથમ ગૃહને વિધાનસભા (નીચલું ગૃહ) અને બીજા ગૃહને વિધાનપરિષદ (ઉપલું ગૃહ) તરીકે ઓળખવામાં આવે છે.

વિધાનસભા બંધારણની કલમ 170(1) મુજબ વિધાનસભાની સભ્યસંખ્યા વધુમાં વધુ 500 અને 60થી ઓછી નહિ રાખવાની જોગવાઈ છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીના આધારે બેઠકો અનામત રખાય છે. વિધાનસભાની સમયમર્યાદા પાંચ વર્ષની છે.

બંધારણની કલમ 173 અનુસાર વિધાનસભા અને વિધાન- પરિષદના સભ્ય બનવા માટે આ પ્રમાણેની યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છેઃ (1) તે ભારતનો નાગરિક હોવો જોઈએ. (2) વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની અને વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. (3) સંસદ કાયદા દ્વારા આ સંબંધમાં જે યોગ્યતાઓ નક્કી કરે તે ધરાવતો હોવો જોઈએ.

વિધાનપરિષદ: બંધારણની કલમ 171 અનુસાર વિધાનપરિષદની સભ્યસંખ્યા રાજ્યની વિધાનસભાની જે કુલ સભ્યસંખ્યા હોય તેના ⅓ સભ્યોથી વધુ હોવી જોઈએ નહિ. પરંતુ ઓછામાં ઓછી 40 સભ્યસંખ્યા હોવી જોઈએ.

વિધાનપરિષદની રચના આ પ્રમાણે કરવામાં આવે છે: (1) ⅓ સભ્યો નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લાપંચાયત તથા સ્થાનિક અધિકારીઓના બનેલા મતદારમંડળ દ્વારા (2) ¹12સભ્યો રાજ્યમાં રહેતા કોઈ પણ વિશ્વવિદ્યાલયના સ્નાતકોના બનેલા મતદારમંડળ દ્વારા (3)  ¹12સભ્યો રાજ્યમાં આવેલ માધ્યમિક શાળાના શિક્ષકોના બનેલા મતદારમંડળ દ્વારા (4) ⅓ સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા (5) બાકીના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. વિધાનપરિષદના સભ્યોમાંથી ⅓ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યોની ધારાસભાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વાર મળવી જોઈએ.

રાજ્યોની વિધાનપરિષદની સભ્યસંખ્યા નીચે અનુસાર છેઃ (1) આંધ્ર પ્રદેશ:58 (2) તેલંગણા 40 (3) ઉત્તર પ્રદેશઃ 99 (4) કર્ણાટક: 75 (5) બિહાર: 75 અને (6) મહારાષ્ટ્ર:78

કોર્પોરેશન અને પંચાયત

( 1 ) મ્યુનિસિપલ કૉર્પોરેશન (મહાનગર સેવાસદન)

મોટાં શહેરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, શહેરોમાં મ્યુનિસિપાલિટી અથવા નગરપંચાયત અને નાનાં ગામડાંમાં ગ્રામપંચાયત એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર જેવાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન શહેરનો વહીવટ સંભાળે છે. શહેરના રસ્તાઓની વ્યવસ્થા, વીજળીની સગવડ, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આરોગ્ય ખાતું, આગ જેવા અકસ્માત સામે પ્રતિકાર કરવા અગ્નિશામક દળ, સ્વચ્છ પાણીના પુરવઠાની વ્યવસ્થા અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, જન્મમરણની નોંધ રાખવી વગેરે વ્યવસ્થા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફરજિયાત કાર્યોની યાદીમાં છે.

ઉપરાંત સહેલગાહ માટે બાગબગીચા, સંગ્રહસ્થાનો, દવાખાનાં, પુસ્તકાલયો, ટાઉનહૉલ, વાહનવ્યવહાર નિયંત્રણ વગેરેની વ્યવસ્થા મરજિયાત કાર્યોની યાદીમાં છે.

આ બંને પ્રકારનાં કાર્યો માટે, કાયદાએ આવકનાં સાધનોની વ્યવસ્થા રાખેલી છે. આવકનાં સાધનોમાં ઘર અને જમીનવેરો, વાહનવેરો, ઑક્ટ્રોય, વીજળી, જાજરૂ, ગટર સફાઈનો વેરો, મકાનોનું ભાડું, અમુક ધંધા પરનો કર, સરકારી મદદ વગેરે છે.

ગ્રામપંચાયત અને નગરપંચાયત

ફરજિયાત કાર્યો ગામડાંનું જાહેર આરોગ્ય સાચવવા પ્રયત્નો કરવા. કૂવા, તળાવ વગેરેની સ્વચ્છતા રાખવી. રસ્તા સાફ કરાવવા તેમજ ખેતીને ઉત્તેજન મળે તેવાં કાર્યો કરવાં.

જમીન-મહેસૂલ પરના 35 ટકા, ઘરવેરો, ઑક્ટ્રોય, મેળા તથા ઉત્સવો પર વેરો એ પંચાયતોનાં આવકનાં સાધનો છે.

જિલ્લા પંચાયત

કાયદો, વ્યવસ્થા અને જમીનવિષયક કાયદા અંગેની કેટલીક બાબતો તથા રાજ્ય કક્ષાની કેટલીક જવાબદારીઓ બાદ કરતાં જિલ્લા કક્ષાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, પશુપાલન, જિલ્લાની જાહેર બાંધકામ પ્રવૃત્તિઓ, લોકસ્વાસ્થ્ય, વૈદ્યકીય રાહત, નશાબંધી, સમાજકલ્યાણ, જમીન ખાતું, કુટિર ઉદ્યોગો, પ્રાથમિક શિક્ષણ જેવાં કાર્યો જિલ્લા પંચાયત કરે છે.

તેમનાં આવકનાં સાધનોમાં જમીન-મહેસૂલ પરની ફાળવણી, લોકલ ફંડ, અન્ય કર અને સરકાર તરફથી મળતી મદદ વગેરે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થા લોકશાહી માટે લોકપ્રતિનિધિ ઘડવાનું કામ કરે છે.

Leave a Comment